ગુરુવાર, 3 સપ્ટેમ્બર, 2009

એક પથ્થર જેવું હતું હ્રદય ને ફૂલો જેવું મુખ હતું,


એક પથ્થર જેવું હતું હ્રદય ને ફૂલો જેવું મુખ હતું,
એ મારો પહેલો પ્રેમ હતો એ મારું પહેલું સુખ હતું!

ઉંમર હતી આકર્ષણની ને જીવન ગાંડુંતૂર હતું,
ગમતાં સપનાં રોજ ઊગે ને ઊર્મિઓનું પૂર હતું!

નામ બધાએ મિત્રોમાં આ બંદાનું મશહૂર હતું,
બસ એની યાદો પાસે મારી બાકી સઘળું દૂર હતું!

હથેળીઓ પર સદા લખેલું એનું વહાલું નામ હતું,
ના પોતાનું સરનામું નહીં ઘેલાનું કોઈ નામ હતું!

પ્રેમમાં આખું જીવન એવું મઘમઘમતું ચકચૂર હતું,
એની આંખો મારું ઘર ને મારું એક જ ગામ હતું!
......... નરેશ પ઼જાપતિ

બુધવાર, 2 સપ્ટેમ્બર, 2009

છલકતું તળાવ એમ છલકાય ટહુકો


છલકતું તળાવ એમ છલકાય ટહુકો
પળેપળને ભીની કરી જાય ટહુકો

મહકતો રહે ફૂલ-ગજરાની માફક
હવામાં શી તાજપ ભરી જાય ટહુકો

તૂટી પડશે તરડાઈને નીલિમા કંઈ
જરા પણ જો નભ સાથ અફળાય ટહુકો

તમે મૌન દોરા સમું જો કરીને
પરોવી શકો તો પરોવાય ટહુકો

ફૂટી નીકળે પાંખનું પીછું થઈને
વિહગના ગળામાં જે રહી જાય ટહુકો

બરડ શુષ્ક શબ્દોના અવકાશમાં નિત
લીલોછમ મૃદુ તારો સંભળાય ટહુકો

કોઈ મોરપીછાંને મૂંગું કરી દો
હવે મુજથી એકે ન સચવાય ટહુકો
naresh prajapati

આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ


આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ

ગયું મારામાં કોઇ જરા જોઈને


ભાનનો તડાક દઈ તૂટી જાય કાચ

એના જોયાની વેળ એવી વાગે

છૂંદણાના મોર સાથે માંડ હું વાત

મને એટલું તો એકલું લાગે


આજ તો અભાવ જેના અંધારે ઊભી છું

પડછાયો મારો હું ખોઇને

આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ

ગયું મારામાં કોઈ જરા જોઈને

એવું તે કેવું આ સિંચાતું નીર

મારા નામનાં સુકાય પાન લીલાં

લેતી આ શ્વાસ હવે એમ લાગે જાણે કે

છાતીમાં ધરબાતા ખીલા


પરપોટો ફૂટે તો જળને શું થાય

નથી જાણ થતી કોઇ દિવસ કોઇને

આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ

ગયું મારામાં કોઈ જરા જોઇને

મનોજ ખંડેરિયા