ગુરુવાર, 29 માર્ચ, 2012

જુમો ભિસ્તી – ધૂમકેતુ

(શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, ‘ધૂમકેતુ’ (૧૨-૧૨-૧૮૯૨ થી ૧૧-૩-૧૯૬૫) આપણી ભાષાના અગ્રસ્થ નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક – વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર અને નાટ્યકાર. ૧૯૩૫ માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો, પણ પરત કરેલો. અને ૧૯૫૩ માં નર્મદ સુવર્ણચંદ્રક મળેલો. એમણે અનેક ગદ્યસ્વરૂપો ખેડ્યા છે. પરંતુ એમની કીર્તિ તો નવલિકાકાર તરીકે પ્રતિષ્ઠિત છે. અનેક ભાવસભર વાર્તાઓના સર્જનને કારણે ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આદ્યપ્રણેતા ગણાય છે. ‘તણખા’ મંડળના ભાગોમાં એમની વાર્તાઓનો ખજાનો સંગ્રહસ્થ છે. પ્રસ્તુત વાર્તા પણ ‘તણખા’ ભાગ-૧ માંથી લેવામાં આવી છે. વાર્તાનું મુખ્ય પાત્ર જુમો ભિસ્તી મારું શાળા સમયથી ખૂબ પ્રિય પાત્ર રહ્યું છે, ખૂબ જ પ્રિય એવી જુમો ભિસ્તી, અપરમાં, પોસ્ટઓફીસ, લોહીની સગાઈ વગેરે વાર્તાઓ અભ્યાસક્રમમાંથી નીકળીને જીવનક્રમમાં સમાઈ ગયેલી સાહિત્યરચનાઓ બની રહી છે, સતત નવું પિરસતા, જુનું વિસરતા જગતમાં કોઈ એક સર્જન આખાય જીવનકાંળ દરમ્યાન યાદ અને પસંદ રહી શકે તે કેવી ભવ્ય ઘટના ? કેટલીય પેઢીઓની તે મનગમતી વાર્તાઓ છે. અહીં આ સુંદર રચના ગોપાલભાઈ પારેખ (વાપી) ની મદદ વગર પ્રસ્તુત ન કરી શકાઈ હોત, તેમનો ખૂબ આભાર.) * * * * *
                                                 
  1.                                                                 આણંદપુરના એ ખૂણામાં ઝૂંપડાં જેવાં માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતાજતાનું લક્ષ ખેંચી રહેતાં. જૂની ખખડધજ આમલી ત્રણે મકાનોને ઢાંકતી. ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઊડતા. પતરાંનાં, પાટિયાંનાં અને ગુણિયાંનાં એમ અનેકરંગી થીગડાં મારેલી ખડકી ખુલ્લી રહેતી. અંદર એક ફાટેલ તૂટેલ સાદડી પર જુમો ભિસ્તી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય. જુમાએ સોનારૂપાનાં વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધા તડકાછાંયા જોઇ લીધા હતા. જનમ્યો ત્યારે શ્રીમંત મા-બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. હજી એને સાંભરતું હશે કે પોતે દશ વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો. એ વખતે તેણે શોખની ખાતર એક પાડો પાળેલો. આજ અનેક રંગો જોયા પછી બંને જણા – વેણુ અને જુમો સાથે રહેતા. વેણુ નામ વિચિત્ર હતું. પણ જ્યારે પૈસાની છોળ આંગણે રેલાતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા; તેમાંથી કોઇક સાહિત્યરસિક હિંદુ મિત્રે પાડાને આવું કુમળું – વેણુ જેવું નામ આપી દીધેલું. પછી તો એ ચાલ્યું. જુમો લક્ષાધિપતિ હતો; ભિખારી બની ગયો. વળી ચડ્યો, પાછો પડ્યો અને આજે છેવટે આ ત્રણ તૂટેલાં ઝૂંપડાંમાં એનો બધો સામાન સચવાઇ રહેતો. એકમાં વેણુ બાંધતો; વચ્ચે બારણું હતું તેમાંથે શેઠ ને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઇને બેસી રહેતા; અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું. અનેક મિત્રો આવ્યા, ગયા, મળ્યા અને ટક્યા—માત્ર જુમો અને વેણુ બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા. આજ હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મસક ભરીને જુમો સવારના પાંચ વાગ્યામાં નીકળતો. વેણુની ઘંટડી ધીમે વાગતી હોય ને પાછળ એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય. બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠ ને નોકર બન્ને પાછા વળતા. જુમાએ એક પૈસાના ગાજર કે બહુ તો ટમેટાં કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ – જેને વેણુ પાછળથી ખાતો આવતો હોય – પાડા માટે લીધાં હોય. બસ, આ હંમેશની ખરીદી. આ જીવને આટલું કામ. એથી વધુ ક્યારેય કરવું નહિ, કોઇ વધુ કામ આપે તો લેવું નહિ, ને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં. બપોરથી માંડીને છેક સાંજ સુધી જુમો હોકો ગગડાવ્યા કરતો; અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ, પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખ મીંચીને ઊંઘતો હોય કે જાગતો સૂતો હોય. શેઠ ને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળ્યા કરતા ! છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઇ પાછા વળતા. વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા. એક દિવસ સવારે પાંચ વાગ્યે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા. જુમાને વિચાર હતો કે પાડો થોડુંઘણું ચરે તો સારું; પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાઇનાં લક્ષણ નહિ ! એટલે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામો ઊભો રહે અને ‘ના, નહિ ખાઉં’ એમ સ્પષ્ટ સંભળાવી દે ! અને જુમો થાક્યો: ’ચાલ ત્યારે ઘેર જઇને ખાજે, તને પણ લાડ કરવાની ટેવ પડી છે !’ વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો, પોતાના પૂંછડાને બરડા પર પછાડ્યું ને જુમાની સામે જોઇ કાન ફફડાવીને ‘રણક’ કરતોકને તે ચાલ્યો. જીતના આનંદમાં પહેલાં તો એ થોડુંક દોડ્યો. ‘ જો ! જો ! હવે પાછો વાળું કે? દોડવાનું છે ?’ જુમાએ મોટેથી ઠપકાની બૂમ પાડી, પણ તે પહેલાં વેણુ તે રસ્તે ચડી ગયો હતો. રસ્તામાં આડે રેલવેની સડક હતી. જરાક ઉતાવળે ચાલતાં, પાડાનો પગ રેલના બે પાટાની વચ્ચે આવી ગયો, પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો, પણ ફોગટ. ધબ દઇને નીચે બેસી ગયો, ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો. જુમો પાછળ હતો તે શ્વાસભેર દોડી આવ્યો. તેણે આવીને પાડાનો પગ લઇ આમતેમ મચડ્યો. પણ બધું વ્યર્થ ! આછું અંધારું ને આછો ઉજાશ હતો. થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. જુમાને પેટમાં ધ્રાસકો પડ્યો : ’ગાડી આવશે તો !’ તે એકદમ રસ્તા તરફ દોડ્યો. સવારમાં વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનોને તેણે આવતા જોયા. તેમના એકેક હાથમાં નેતરની સોટીઓ ઊછળતી હતી અને ખુશનુમા હવા લેવા માથા પરથી ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઇ લીધી હતી. ગાંડો દોડે તેમ જુમો દોડ્યો. ‘એ ભાઇસા’બ ! મારો વે….મારો પાડો, અબઘડી કપાઇ જશે. જુઓ પણે જુઓ –પાટામાં સપડાયો છે !’ બન્ને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોયું. કાંઇક કાળું કાળું તરફડતું લાગ્યું. ‘શું છે ?’ ‘મારો વેણુ—પાડો !’ ‘ઓહો !…. જ, જા, ફાટકવાળા પાસે દોડ….’ ‘તમે માબાપ, ટેકો દો તો પગ નીકળી જાય, જીવ બચે.’ ‘અમે ? તું દોડ-દોડ—ફાટકવાળાને કહે !’ એમ કહીને એ બન્ને જણા તો ચાલતા થઇ ગયા ! જુમો ફાટકવાળા તરફ દોડ્યો, પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઇ માણસ ફરકતું લાગ્યું નહિ. એટલામાં છેડે ગાડીની સિસોટી સંભળાઇ. જુમાએ ચારે તરફ નિરાશ દૃષ્ટિ ફેંકી. પણ માણસનું કોઇ છૈયું સરખુંયે જણાયું નહિ. ઝપાટાબંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો. સાંકળ ખેંચી. ઘંટીના અવાજમાં તેનો સાદ સંભળાય તેમ હતું નહિ ! તેણે જોરથી બારણામાં પાટું માર્યું. ‘એ કોણ?’ ‘એ ચાલો ! ભૈ-બહેન ! સિંગ્નલ ફેરવો, મારું જનાવર કચરાઇ જશે.’ ‘ઘેર કોઇ ભાઇ માણસ નથી !’ – બસ. આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી. હવે ટ્રેનનો અવાજ પણ સ્પષ્ટ સંભળાવા લાગ્યો. ‘દોડો ! દોડો !….મારું જનાવર કપાય છે !’ જુમાએ હતુ તેટલું બળ કરીને ચીસ પાડી; પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી ! જુમાએ આકાશ તરફ જોયુ. છેલ્લો તારો આથમતો હતો. અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો. તેણે પોતાની લાકડી ફેંકી દીધી. ‘યા પરવરદિગાર !’ તેણે મોટેથી બૂમ પાડી. એટલું બોલીને જુમો એકદમ દોડ્યો. વ્યર્થ મહેનત પછી વેણુ હાંફતો પડ્યો હતો. તેની ગોદમાં તે ભરાઇ બેઠો. વેણુએ તેને શાંત રીતે ખંજવાળ્યા કર્યું. ‘દોસ્ત ! ભાઇ ! વેણુ ! આપણે બન્ને સાથે છીએ, હો !’ અને એમ કહીને જુમો છેક તેના પગ પાસે પડ્યો. દર પળે ટ્રેનના ધબકારા વધ્યા, સિસોટી પર સિસોટી થઇ. જોસબંધ ફરતાં પૈડાં સંભળાયાં. જુમો વેણુને ભેટી પડ્યો, પણ જેવી ગાડી છેક પાસે આવી કે તરત જ, પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઊંચક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો ! વેણુ પર થઇને આખી ટ્રેન ચાલી ગઇ, તેના ધગધગતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયું ભીંજાઇ ગયું. તેને કળ વળીને બેઠો થયો, ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટાછવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઇ પણ નામનિશાન રહ્યું ન હતું ! હજી પણ હંમેશાં જુમો સવારનાં જ એકલો, અશાંત, એ રસ્તે ફૂલ લઇને આવતો દેખાય છે અને એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને ‘વેણુ !….વેણુ !…. વેણુ !’ એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે ! - 
                                                                                                         .....ધૂમકેતુ.................

મંગળવાર, 18 ઑક્ટોબર, 2011

ક – કહે છે કલેશ ન કરો.

ક – કહે છે કલેશ ન કરો.
ખ – કહે છે ખરાબ ન કરો.
ગ – કહે છે ગર્વ ન કરો.
ઘ – કહે છે ઘમંડ ન કરો…
ચ – કહે છે ચિંતા ન કરો.
છ – કહે છે છળથી દૂર રહો.
જ – કહે છે જવાબદારી નિભાવો.
ઝ – કહે છે ઝઘડો ન કરો.
ટ – કહે છે ટીકા ન કરો.
ઠ – કહે છે ઠગાઇ ન કરો.
ડ – કહે છે કયારેય ડરપોક ન બનો.
ઢ – કહે છે કયારેય ‘ઢ’ ન બનો.
ત – કહે છે બીજાને તુચ્છકારો નહીં.
થ – કહે છે થાકો નહીં.
દ – કહે છે દીલાવર બનો.
ધ – કહે છે ધમાલ ન કરો.
ન – કહે છે નમ્ર બનો.
પ – કહે છે પ્રેમાળ બનો.
ફ – કહે છે ફુલાઇ ન જાઓ.
બ – કહે છે બગાડ ન કરો.
ભ – કહે છે ભારરૂપ ન બનો.
મ – કહે છે મધૂર બનો.
ય – કહે છે યશસ્વી બનો.
ર – કહે છે રાગ ન કરો.
લ – કહે છે લોભી ન બનો.
વ – કહે છે વેર ન રાખો.
શ – કહે છે કોઇને શત્રુ ન માનો.
સ – કહે છે હંમેશા સાચુ બોલો.
ષ – કહે છે હંમેશા ષટ્કાયના જીવની રક્ષા કરો.
હ – કહે છે હંમેશા હસતા રહો.
ક્ષ – કહે છે ક્ષમા આપતા શીખો.
જ્ઞ –કહે છે જ્ઞાની બનો......

મંગળવાર, 2 ફેબ્રુઆરી, 2010

"ઊપડતી જીભ અટકે છે"

ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે,
પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે

ઘણા વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું
અહીં જેને મળુ છું, સાવ ઠંડોગાર લાગે છે

ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે ત્યારે
તણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે

ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે

સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે
બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે

નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું
ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!

મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2009

યાદ કોઈની વિસરવા એક ભવ ઓછો પડે,


યાદ કોઈની વિસરવા એક ભવ ઓછો પડે,
એ અગમજ્વાળાને ઠરવા એક ભવ ઓછો પડે.

તું કે જેના હોઠ પર ફરિયાદ વિણ કંઈ પણ નથી,
ને મને નિ:શ્વાસ ભરવા એક ભવ ઓછો પડે.

રૂપ છે નમણી પ્રતિભા હાય કિન્તુ ! દબદબો !
ફૂલ પણ એકાદ ધરવા એક ભવ ઓછો પડે.

દૂર હમદમ દૂર ઓ મન ! ધર્મના ભેદો થકી,
એ વમળમાંથી ઊગરવા એક ભવ ઓછો પડે.

આચમન એનું મળે તો પણ મુસાફિર ધન્યતા,
આ ગઝલ-સિંધુને તરવા એક ભવ ઓછો પડે.

ગુરુવાર, 3 સપ્ટેમ્બર, 2009

એક પથ્થર જેવું હતું હ્રદય ને ફૂલો જેવું મુખ હતું,


એક પથ્થર જેવું હતું હ્રદય ને ફૂલો જેવું મુખ હતું,
એ મારો પહેલો પ્રેમ હતો એ મારું પહેલું સુખ હતું!

ઉંમર હતી આકર્ષણની ને જીવન ગાંડુંતૂર હતું,
ગમતાં સપનાં રોજ ઊગે ને ઊર્મિઓનું પૂર હતું!

નામ બધાએ મિત્રોમાં આ બંદાનું મશહૂર હતું,
બસ એની યાદો પાસે મારી બાકી સઘળું દૂર હતું!

હથેળીઓ પર સદા લખેલું એનું વહાલું નામ હતું,
ના પોતાનું સરનામું નહીં ઘેલાનું કોઈ નામ હતું!

પ્રેમમાં આખું જીવન એવું મઘમઘમતું ચકચૂર હતું,
એની આંખો મારું ઘર ને મારું એક જ ગામ હતું!
......... નરેશ પ઼જાપતિ

બુધવાર, 2 સપ્ટેમ્બર, 2009

છલકતું તળાવ એમ છલકાય ટહુકો


છલકતું તળાવ એમ છલકાય ટહુકો
પળેપળને ભીની કરી જાય ટહુકો

મહકતો રહે ફૂલ-ગજરાની માફક
હવામાં શી તાજપ ભરી જાય ટહુકો

તૂટી પડશે તરડાઈને નીલિમા કંઈ
જરા પણ જો નભ સાથ અફળાય ટહુકો

તમે મૌન દોરા સમું જો કરીને
પરોવી શકો તો પરોવાય ટહુકો

ફૂટી નીકળે પાંખનું પીછું થઈને
વિહગના ગળામાં જે રહી જાય ટહુકો

બરડ શુષ્ક શબ્દોના અવકાશમાં નિત
લીલોછમ મૃદુ તારો સંભળાય ટહુકો

કોઈ મોરપીછાંને મૂંગું કરી દો
હવે મુજથી એકે ન સચવાય ટહુકો
naresh prajapati

આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ


આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ

ગયું મારામાં કોઇ જરા જોઈને


ભાનનો તડાક દઈ તૂટી જાય કાચ

એના જોયાની વેળ એવી વાગે

છૂંદણાના મોર સાથે માંડ હું વાત

મને એટલું તો એકલું લાગે


આજ તો અભાવ જેના અંધારે ઊભી છું

પડછાયો મારો હું ખોઇને

આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ

ગયું મારામાં કોઈ જરા જોઈને

એવું તે કેવું આ સિંચાતું નીર

મારા નામનાં સુકાય પાન લીલાં

લેતી આ શ્વાસ હવે એમ લાગે જાણે કે

છાતીમાં ધરબાતા ખીલા


પરપોટો ફૂટે તો જળને શું થાય

નથી જાણ થતી કોઇ દિવસ કોઇને

આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ

ગયું મારામાં કોઈ જરા જોઇને

મનોજ ખંડેરિયા