સોમવાર, 6 એપ્રિલ, 2009

નમું તને, પથ્થરને? નહીં, નહીં,


નમું તને, પથ્થરને? નહીં, નહીં,
શ્રદ્ધા તણા આસનને નમું નમું :
જ્યાં માનવીનાં શિશુ અંતરોની
શ્રદ્ધાભરી પાવન અર્ચના ઠરી.

કે મુક્ત તલ્લીન પ્રભુપ્રમત્તની
આંખો જહીં પ્રેમળતા ઝરી ઝરી.
તું માનવીના મનમાં વસ્યો અને
તનેય આ માનવ માનવે કર્યો;

મનુષ્યની માનવતાની જીત આ
થયેલ ભાળી અહીં, તેહને નમું.
તું કાષ્ઠમાં, પથ્થર, વૃક્ષ, સર્વમાં,
શ્રદ્ધા ઠરી જ્યાં જઇ ત્યાં, બધે જ તું.

તને નમું, પથ્થરનેય હું નમું,
શ્રદ્ધા તણું આસન જ્યાં નમું તહીં.

- સુંદરમ્

કોણ ?



પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ ?
પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ ?
કોણ બદલતું સન્ધ્યાકાશે પલ પલ નવલાં પ્રેમળ ચીર ?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર ?
અહો, ગુંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળમોતીમાળ ?
તરુએ તરુએ ફળતી કોની આશા કેરી શાખ રસાળ ?
કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ ?
ઓ સારસની જોડ વિષે ઊડે છે કોની ઝંખનઝાળ ?
અહો ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડે ફાળ ?
અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?
કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?

-ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુન્દરમ્’

તુ ન કહે તો આજે ફરી મારી કવિતા મોકલુ છું,

તુ ન કહે તો આજે ફરી મારી કવિતા મોકલુ છું,
બસ જે ઔષધિ તારી પાસે હોય તે મોકલ,
કંઇ નહિતો તારી સહનશકિતમાંથી મને થોડી મોકલ.

હોઠ ને સીવીને રખાય તેવો દોરો મોકલ,
રોકવી છે હવે તો કલમને પણ વિચારોનો થોંભ મોકલ.

બસ, હવે નવો કોઇતો સંકેત વળી મોકલ,
તુજે ગમ પચાવી ગયો તેનું લુચ્ચું હાસ્ય મને મોકલ.

તારી કોઇ જો રમત હોયતો હાર મને મોકલ,કંઇ નહિતો
તારા મૌન રહેવાનું કારણ પણ મને મોકલ.

તુ ન કહે તો આજે ફરી મારી કવિતા મોકલુ છું,
ને તો પણ ન કહે તો મારું જ દદૅ ફરી તને મોકલુ છું.

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેફી દીધો,


તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેફી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં,
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જખ્મ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!

આહા! કિંતુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.

રે રે! કિંતુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે તોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

રવિવાર, 5 એપ્રિલ, 2009

“જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,


“જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!”


“એ હું જ છું નૃપ, મને કર માફ બાઇ!
એજ હું છું નૃપ, મને કર માફ ઈશ !


હા ! પસ્તાવો - વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે!”


“તુને ન ચાહું ન બન્યું કદી એ, એને ન ચાહું ન બને કદી એ,
ચાહું તો ચાહીશ બેયને હું, ચાહું નહીં તો નવ કોઇને હું!”


“તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!”


“પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી.”


“વ્હાલી બાબા! સહન કરવું એ ય છે એક લ્હાણું!
માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું !”


“હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, મળ્યું ત્યાં ઝેરનું પ્યાલું !
મગર તે જામને ભરતાં કહે તુજ હાથ શું આવ્યું?”


“કટાયેલું અને બુઠું ઘસીને તીક્ષ્ણ તેં કીધું
કર્યું પાછું હતું તેવું, અરે દિલબર! હ્ર્દય મારું

મારા ખેતરના શેઢેથી

મારા ખેતરના શેઢેથી
‘લ્યા ઊડી ગઈ સારસી !

મા,
ઢોચકીમાં છાશ પાછી રેડી દે.

રોટલાને બાંધી દે.
આ ચલમની તમાકુમાં કસ નથી;

ઠારી દે આ તાપણીમાં
ભારવેલો અગની

મને મહુડીની છાંય તળે
પડી રહેવા દે.

ભલે આખું આભ રેલી જાય,
ગળા સમું ઘાસ ઊગી જાય,

એલે એઈ
બળદને હળે હવે જોતરીશ નંઈ…

મારા ખેતરને શેઢેથી -

-રાવજી પટેલ

‘આભાસી મુત્યુનું ગીત’. કવિ સુરેશ દલાલ આ ગીતને 'અકાળે આથમેલો સૂર્ય’ જેવું શીર્ષક આપીને કહે છે કે -

” રાવજી પટેલ અકાળે આથમ્યા, પણ ન આથમે એવું ગીત આપીને.
આ કાવ્ય અંતિમ વિદાયનું છે પણ એનો ભાગ લગ્નગીતનો છે એટલે કે,
વિદાયનું ગીત મિલનના લયમાં છે. આ લયનાં મૂળ લોકગીતમાં છે,
પણ લયનું ફળ શોકગીતમાં છે. માણસ મૃત્યુની અંતિમ ક્ષણે શું અનુભવે છે
એ તો લગભગ અકળ રહે છે. પણ માણસ અંતિમ ક્ષણ પહેંલા નજીક ને નજીક આવતા મૃત્યુનો સાક્ષાત્કાર કરે છે
ત્યારે એની હ્રદયની ભાવસ્થિતિનો ચિતાર અને અત્યંત ઝીણો સૂક્ષ્મ ચિત્કાર કવિએ અહીં આપ્યો છે.
આ ગીત વિશે ઘણું લખાયું છે અને લખાશે, કારણ કે આ કાવ્ય સહ્રદયને પડકારે એવું છે. ”


મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા …

-રાવજી પટેલ

રાવજી પટેલ... "એક અકાળે સમેટાયેલી દંતકથા"


રાવજી પટેલ... "એક અકાળે સમેટાયેલી દંતકથા"

જન્મ

-11-1939 - વલ્લવપુરા

અવસાન

10-08-1968

કુટુંબ

પિતા- છોટાલાલ ; પત્ની - હંસા ; પુત્રી - અપેક્ષા

અભ્યાસ

.એસ.સી.

વ્યવસાય

મિલ, છાપાં, લાયબ્રેરી માં નોકરી સાથે લેખન

કદી આંખમાંથી ઊડી જાય પંખી


કદી આંખમાંથી ઊડી જાય પંખી
કદી આંખ વચ્ચે પડી ન્હાય પંખી.

અટારી નીચે વૃક્ષ ઊગ્યું;તું મનમાં.
વિચારો થઈ આજ અટવાય પંખી.

કરી પાંખ ફોળી ઉભય ગાલ ઉપર
તમારા ચહેરાનું મલકાય પંખી.

નર્યાં ફૂલ વચ્ચે રહી રહીને થાકયું.
હવે શબ્દ થઈને આ અંકાય પંખી.

પણે ડાળ આંબાની ટહુકયા કરે છે,
પણે રાત આખી શું વેરાય પંખી.

હજી જીવું છું કારણ છે એક
હજી શ્વાસમાં એક સંતાય પંખી.

- રાવજી પટેલ