રવિવાર, 12 ઑક્ટોબર, 2008

ખરીદી લીધું છે રાતે જે સપનું ચાંદનીનું છે
અરે ઓ સૂર્ય આ વેચાણ તારી રોશનીનું છે

થયા છે એકઠા પાછા ફરી શ્વાસોના સોદાગર
ફરી રસ્તા ઉપર લીલામ કોની જિંદગીનું છે

બિચારાનું હશે કિસ્મત રહ્યા અરમાન હસવાના
કફન તો સૂકવી આપો હજી આંસુથી ભીનું છે

અમે ભિક્ષુક ખરા પણ આટલું તો માન સચવાયું
હજી આ પાત્ર ભિક્ષાનું અમારી માલિકીનું છે

મળી છે રાત અંધારી અને બોલી નથી શકતા
અરે સૂરજના સોદાગર વચન તો ચાંદનીનું છે

કરે તપ દેશભક્તિનું નચાવે લોકશાહીને
બરાબર જોઈએ તો રૂપ આ નેતાગીરીનું છે

જરા ચેતીને આદમ ચાલજો નેતાની સંગતમાં
કે ખિસ્સામાં તો કાંટા છે અધર પર સ્મિત કળીનું છે

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?


દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?

હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?

તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,


કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,
કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.

તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતવી નહીં શકે.

એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.

એક જ સલામતી છે કે પડખામાં દિલ રહે,
એ બહાર જો જશે તો બચાવી નહીં શકે.

ઉપવને (કવિલોક પર!) આગમન

તમારાં અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.

ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે.

શરમનો કરી ડોળ સઘળું જુએ છે
કળી પાંદડીઓના પડદે રહીને,

ખરું જો કહી દઉં તો વાતાવરણ પર
તમારાં નયનની અસર થૈ ગઈ છે.

બધી રાત લોહીનું પાણી કરીને
બિછાવી છે મોતીની સેજો ઉષાએ,

પધારો કે આજે ચમનની યુવાની
બધાં સાધનોથી સભર થૈ ગઈ છે.

પરિમલની સાથે ગળે હાથ નાખી-
કરે છે અનિલ છેડતી કૂંપળોની,

ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ,
પુરાણા મલાજાથી પર થૈ ગઈ છે.


એક છોકરી સાવ અચાનક આંખો ઢાળેઅને છોકરો નવી નોટનાં પાનાં ફાડે !
સોળ વરસની સાવ કુંવારી લાગણીઓમાંકેમ ઊઠ્યાં તોફાન કેમ આ ભરતી આવી ?કેમ અચાનક ગમવા લાગ્યા ફૂલબગીચાકેમ અચાનક અરીસામાં વસ્તી આવી ?
રંગરંગની છોળ નવા ઉન્માદ જગાડેઅને છોકરી આમ અચાનક આંખો ઢાળે ?
નવી ધડકનો, નવા નિસાસા, નવી નવાઇનવી કવિતા, નવી ગઝલ ને નવી રુબાઇઅંગઅંગમાં નવી ચેતના નવો મુઝારોદિવસ-રાત બેચેન બનાવે નવી સગાઇ
નવાં નવાં સંગીત સૂતેલા સાપ જગાડેજુઓ ! છોકરો નવી નોટનાં પાનાં ફાડે !